કોઈ તો જીવનમાં તો, કહેતાં ને કહેતાં જાય, કોઈ તો જીવનમાં, કરતા ને કરતા જાય
જીવનમાં તો બસ, આમ થાતું ને થાતું જાય (2)
કોઈ તો આજનું કામ કાલ પર છોડતા જાય, કોઈ લીધેલું કામ, હાથમાં પૂરું ને પૂરું કરતા જાય
કોઈ તો સહજ રીતે કામ પાર પાડતા જાય, કોઈના કામમાં ગોટાળા ઊભા થાતાં ને થાતાં જાય
કોઈના હાથમાં તો કામ શોભતું જાય, તો કોઈ તો, કામથી ભાગતા ને ભાગતા જાય
કોઈ તો કામથી તો ત્રાસી ઊઠે, તો કોઈ તો, કામ હસતા ને હસતા કરતા જાય
કોઈને કામની સૂઝ તો બરાબર પડે, કોઈ તો, કામમાં મૂંઝાતા ને મૂંઝાતા જાય
કોઈ કામ તો ચીવટાઈ થી કરતા જાય, તો કોઈ તો, કામમાં વેઠ ઉતારતાં જાય
કોઈ તો કામમાં મશગૂલ એવાં રે થાય, જગમાં પોતાની જાત એમાં તો ભૂલી જાય
કોઈ તો કામ કરે એવી રીતે, જાણે જીવનમાં એના વિના બીજાથી ના એ થાય
રીત છે કામ કરવાની સહુની તો જુદી જુદી, જુદી રીતે તો સહુ કામ કરતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)