હે મા, હવે મને તો તું, તારે ખોળલે, પોઢાડી દે, ખોળે બોલાવી લે
જીવનમાં ચાલ્યો બહુ, થાક્યો બહુ, હવે તો તારે ખોળલે પોઢાડી દે
ખૂટી ગઈ છે હવે ધીરજ તો મારી, ખોળલે હવે તો તું પોઢાડી દે
મળ્યો નથી આરામ જગમાં, હવે તારે ખોળલે આરામ તો લેવા દે
સુખદુઃખમાં ઝોલા ખાધા જીવનમાં, તારે ખોળલે સ્થિર તો થાવા દે
ઉપાધિ અને ઉપાધિ વિના રહ્યું નથી રે જીવન, ઉપાધિ બધી તું છોડાવી દે
કારણને કારણ વિના રહ્યો મૂંઝાતો, જીવનની મૂંઝવણ બધી તું હટાવી દે
ભૂલ્યા જીવનમાં તો ઘણું ઘણું, જીવનમાં હવે ખુદને તો તું ભુલાવી દે
મળી નથી શાંતિ તો જીવનમાં, તારે ખોળલે શાંતિ હવે તો લેવા દે
પાસે હોવા છતાં, સાંનિધ્ય ના મળ્યું, તારે ખોળલે સમીપતા અનુભવવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)