તું સૂર સજાવી લે, તું સૂર સજાવી લે, તું સૂર સજાવી લે
મળી છે તને જીવનરૂપી વાંસળી, સુમધુર સંગીત વહાવી દે
કાઢીને ખોટા સૂરો એમાંથી, જીવન સંગીત બેસૂરું ના બનાવજે
સંગીતમાં તારા હૈયાંના સૂરો ભેળવી, જીવનમાં જગન્નાથને રીઝવી દે
તારી વૃત્તિરૂપી સૂરોને સંયમથી મઢાવી, સુમધુર સંગીત રેલાવી દે
વહાવીશ મધુર સંગીત એમાંથી, જીવનને આનંદથી ભરી લે
મધુર સંગીતમાં, જીવનમાં દુઃખ તારું ને અન્યનું તું ભુલાવી દે
જીવન સંગીતમાં તારા, અન્ય વાતોની અસર, ના એમાં આવવા દે
કાઢીને બોદા સૂરો એમાંથી, તારા જીવનસંગીતને બોદું ના બનાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)