છે આ તો ઘરઘરની રે કહાની, રહી છે વિતતી એમાં સહુની જિંદગાની
નથી વૃત્તિ વિનાનો માનવી, સર્જી રહ્યાં છે એમાં સહુ તો ઉપાધિ
રહ્યાં છે સહુ સગાંસબંધીઓથી વિંટાઈ, હસી-મજાકમાંથી થાતી રહી બોલાચાલી
મળે છે ફુરસદ ઝઘડા કરવાની, મળતી નથી ફુરસદ તો કેમ એ વિચારવાની
કરવી નથી ફરિયાદ કોઈએ, તોયે છે આદત સહુની ફરિયાદ કરવાની
રહી છે રીતો સહુની તો નોખી ને નોખી, તોયે અન્યની આદત તો નથી ગમવાની
જીવનના શ્વાસો રહ્યાં છે સહુના બનતા ભારી, છે સહુના કર્મોની તો આ કહાની
પૂજવું નથી ગમતું કોઈને અન્યને, આદત નથી છૂટતી સહુએ પૂજાવાની
નાદાનિયતથી નાતો રાખવો નથી કોઈએ, વાતો કરે છે તોયે, નાદાનિયતભરી
બાકાત નથી રહ્યું કોઈ આમાંથી, આ તો છે જીવનમાં સહુની ને સહુની કહાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)