જ્યાં `હું' માં ના તું ભળશે, જ્યાં `તું' માં ના હું ભળશે, એક્તા ક્યાંથી ત્યાં સર્જાશે
સરગમના સૂરોમાંથી સૂરો જ્યાં નોખાં નોખાં ઊઠશે, સંગીત ક્યાંથી એમાં બનશે
વિચારોના નાના પરપોટા ના અટકશે, ધીરે ધીરે આવી ઉપર, રૂપો મોટા લેશે
ખોટા વિચારો ના અટકશે, રૂપો લઈ બિહામણાં, તને ને તને એ ડરાવશે
પહેલાં તો સહુ અજાણ્યું હશે, આવતા પરિચયમાં સાચા, પોતાના બની જાશે
પરિચય વિના આવ્યા છીએ પ્રભુને બનાવવા પોતાના, જીવનમાં એ પણ બની જાશે
નડતર વિનાનું નથી કોઈનું જીવન જગમાં, જીવનમાં નડતર તો આવ્યા કરશે
સુધારવા હશે સંબંધ, કે વધારવા હશે સંબંધ, જીવનમાં ગમ ખાતાં શીખવું પડશે
અસંતોષથી જીવન તો ગૂંગળાઈ જાશે, જીવન એમાં તો દુઃખીને દુઃખી થઈ જાશે
જ્યાં હું ને તું, થાશે ના જીવનમાં રે ભેગા, જીવનમાં દર્શન પ્રભુના ના ત્યાં થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)