છે સુંદર મુખડું તારું રે માડી, કરું કોની સાથે રે, એની રે સરખામણી
જગમાં જોયું તો જે જે થઈ ના શકે રે, એની સાથે રે, તારી રે સરખામણી
છે જ્યાં તું તો પૂર્ણતાની રે મૂર્તિ, કરી કેમ શકું, અપૂર્ણ સામે તારી રે સરખામણી
કરી ના શકે શીતળતા ચંદ્રની તારી બરોબરી, કરી ના શકું એની સાથે તારી સરખામણી
છે સૂર્યના તેજમાં ઉષ્ણતા ભારી, કરી કેમ શકું, એની સાથે રે તારી સરખામણી
ઊંચાઈ પર્વતોની કરી ના તારી ઊંચાઈની બરોબરી, ના કરી શકું, એની સાથે તારી સરખામણી
વિશાળતા સાગરની પણ છે તારામાં સમાણી, કરી ના શકું, એની સાથે તારી સરખામણી
ગતિ વાયુની કે મનની, પહોંચી ના શકે ગતિને તારી, ના કરી શકું, એની સાથે તારી સરખામણી
જ્ઞાનની સીમા ના મળી, ના શકે કિનારા તારા, કરી ના શકું, એની સામે તારી સરખામણી
તું તો છે એક, અનુપમ એવી અનોખી, કરી શકું, તારી ને તારી સાથે, તારી સરખામણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)