મેળવવા બેઠો સરવાળો મારા જીવનનો, સરવાળે બાદબાકી રહી ગઈ
લઈ આવ્યો મૂડી સમયની જગમાં, બાદબાકી સમયની જીવનમાં થાતી ગઈ
માંડવા બેઠો સરવાળો પાપ પુણ્યનો, બાદબાકી પાપની રહી ગઈ
જોઈતો હતો સરવાળો આશાઓનો જીવનમાં, નિરાશાની બાદબાકી રહી ગઈ
સુખનો સરવાળો માંડવા બેઠો જીવનમાં, દુઃખની બાદબાકી રહી ગઈ
માંડવો હતો પ્યારનો સરવાળો જીવનમાં, બાદબાકી વેરની હાથમાં રહી ગઈ
જોઈતો હતો હાસ્યનો સરવાળો જીવનમાં, રૂદનની બાદબાકી હાથમાં રહી ગઈ
કરવો હતો સરવાળો સદ્ગુણોનો જીવનમાં, અવગુણોની બાદબાકી રહી ગઈ
સરવાળો ને બાદબાકી રહી બદલાતી, સદા જીવનને સમજાવતી ગઈ
બદલાતું રહે કે રહ્યું જે જીવનમાં, અસત્યતા એની સમજાવતી ગઈ
સમજી શક્યો શૂન્ય વિના નથી સત્ય બીજું, શૂન્યની સત્યતા સમજાવી ગઈ
શૂન્ય એજ પરમાત્મા છે, સરવાળો બાદબાકી પ્રતીતિ એની કરાવી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)