મારે કોને કહેવું, માડી મારી આજ મુજથી રૂઠી ગઈ
ન કાંઈ એ બોલે કે ચાલે, પાષાણ એ આજ બની ગઈ
વાત હૈયાની કરતો એને, આજ દ્વાર એ બંધ કરી ગઈ
સમજણ ના પડી મુજને કે આજ મારી ભૂલ શી થઈ
માયાને મેં ગણી વહાલી, કે મુજથી એની અવગણના થઈ
ના સમજાયું મુજને, કેમ એ આંખ સામે પડદો પાડી ગઈ
ઘડીમાં દેખાતી, ઘડીમાં છુપાતી, હૈયામાં ઝંખના જગાવી ગઈ
વહાલ એ તો સદા વરસાવતી, તોય કેમ વૈરી લાગી ગઈ
ભૂલો કરું જ્યારે, ત્યારે હસતી હસતી નીરખી રહી
સંસારમાં જ્યાં થાકું, ત્યાં સદા સહાય કરતી ગઈ
એનાથી રૂઠી બેસી જ્યાં, આંખ મારી બંધ કરી દઈ
ત્યાં એ તો દોડી આવે, મુજને હૈયે ચાંપી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)