આત્મા, પરમાત્માથી પડી છૂટો, બધું ચેન ખોઈ બેઠો
હતો ક્યાં આવ્યો ક્યાં, બધું સાનભાન એ ભૂલી ગયો
મુક્તપણે રહેતો, વિહરતો, માયાના બંધનથી જકડાઈ ગયો
દ્વંદ્વ સુખદુઃખમાં કરી, સુખદુઃખ એ ભોગવી રહ્યો
મધ માયાનું ચાખી સદા, માયામાં એ રાચી રહ્યો
ક્ષણ પણ ના દૂર થઈ માયા, વ્યાકુળ એ તો બની ગયો
પ્રેમસાગરમાં હતો એ ડૂબ્યો, મૃગજળ પાછળ દોડી ગયો
શાશ્વતને ત્યજી, નાશવંત પાછળ આજ દોડી ગયો
મેલ હૈયે ખૂબ વધારી, સ્વસ્વરૂપ પોતાનું ભૂલી ગયો
થાક્યો ઘણો એ તો માયામાં, એ તો ડૂબી રહ્યો
નજર માયામાંથી ઉઠાવી, સ્વસ્વરૂપમાં ડૂબી ગયો
હૈયે સ્મરણ જાગી ગયું સાચું, શાંતિ એ પામી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)