અભિમાનમાં રાખજે ના મસ્તક એટલું તું ઊચું,
તારા પડતાં પગલાં તને ના દેખાય
નજરમાં રાખજે સદા ધરતી,
જેના પર તો તારા પગલાંને પગલાં પડતાં જાય
કર્યું એવું તેં શું, ગઈ કઈ આવડત વધી તારી,
કેફ અભિમાનનો મસ્તકે શાને પહોંચી જાય
ટકવા ના દેશે, રહેવા ના દેશે પ્રભુ તો અભિમાન,
કર્તા કરાવતાં, રાખે ના જ્યાં એ તો અભિમાન જરાય
એક એકથી તો મળશે ચડિયાતા રે જગમાં,
અભિમાન તો શાને ને શાનું રે થાય
સદા રહેજે જાગૃત તું જીવનમાં, જોજે ચડે ના કે અભિમાનમાં,
જીવનમાં સરી ના જવાય
પ્રવેશ્યું અભિમાન જીવનમાં તો જ્યાં હૈયે,
દેશે ખોલી એ તો અહંના દ્વાર તો સદાય
અભિમાન તો એવા રે બનાવી દેશે,
નહીં સાચું જીવનમાં ત્યારે તો દેખાય
અભિમાનમાં તો પડશે ગુમાવવું ઘણું,
નહીં ફાયદાની આશા એમાં તો રખાય
અભિમાન છૂટશે નહીં જો હૈયેથી, જીવનમાં મુક્ત રીતે,
નહીં હળી મળી શકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)