છે ચંદ્રને પણ શરમાવે એવું તો મુખડું `મા’ નું
મુખડાનું તેજ તો, સૂરજને પણ પાડે છે ઝાંખું
અંગેઅંગથી ઝરે છે, શક્તિનું તો ઝરણું ઝાઝું
એવી મારી `મા’ નું તો મુખડું લાગે અતિ સોહામણું
ઝરતી રહે છે તો સદા, એની પ્રેમની તો ધારા
ધરાયે નહિ કદી, નહાતાં એમાં, મનડું મારું
નીરખતા સદા એને, હું તો પ્રેમનું બિંદુ પામું
એવી મારી `મા’ નું તો મુખડું લાગે અતિ સોહામણું
દર્શન થાતા એના, જગ સારું એમાં તો નિહાળું
સદા પરમતેજથી ભરેલું, લાગે અતિ એ પ્યારું
દર્શન કરતા એનું, સુખદુઃખ તો જગના વિસારું
એવી મારી `મા’ નું, તો મુખડું લાગે અતિ સોહમણું
વીસરી જગની પ્રીત સારી, પ્રીત તો એનાથી બાંધું
જગ સારાને તો વિસરું, ખુદ ખુદને પણ વિસરાવું
લાગે સદા એ તો વહાલું, હૈયામાં એને તો સમાવું
એવી મારી `મા’ નું તો મુખડું લાગે અતિ સોહામણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)