છે અંશ તું પરમાત્માનો, ખેંચાણ તો એની સાથે રહેશે
પાછો એમાં ભળ્યાં વિના, સાચી શાંતિ બીજે ના મળશે
વિકારોથી બહેકી, ફર્યો જગમાં, દૂર ભલે તું થયો હશે
અંતે એમાં તો ભળવા, ઝંખના ઊંડેથી તો જાગી જ હશે
લાખ યત્નો કરજે ભૂલવા એને, એ તને તો નહિ ભૂલશે
જ્યાં જ્યાં જશે ભલે તું, એ તો સદા સાથે ને સાથે રહેશે
ખૂણો નહિ મળે ખાલી જગમાં, જ્યાં તું ને એ સાથે નહિ હશે
વિચારજે તો તું જરા મનમાં, કેવો અતૂટ નાતો તો એ છે
હશે તું ભલે પાપી કે પુણ્યશાળી, ગળે તને એ લગાવશે
તું દૂર ભલે એનાથી જાશે, તારાથી દૂર તો એ ના રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)