ઘડી ઘડી મારગ બદલે, ઘડી ઘડી વિચાર બદલે
પહોંચીશ ક્યારે તું તારા સ્થાનમાં
ખોટા કરીને વિચારો, થાશે હૈયે વધુ મૂંઝારો
વેડફાશે શક્તિ તારી વાત વાતમાં
પુરુષાર્થમાં તો પગલાં પાડી, લેખ પર તો મેખ મારી
માંડજે મક્કમ ડગલાં જીવનમાં
હાથના કર્યા હૈયે વાગશે, સુખદુઃખની ચાવી છે જીવનમાં
ભાગ્ય તારું રહેશે ઘડાઈ, જાશે ઘડાતું કાર્યમાં
અભિમાનનો ભાર વધારી, પગ બનશે જીવનમાં ભારી
થાકશે ભારથી તું તો અધવચમાં
કામ-ક્રોધ કામ નહિ આવે, રાખશે જકડી એ પગલાં
લાગશે એ તો બેડી જેવા પગમાં
સાથી તો જાશે બદલાતા, જીવન પથ રહેશે ચાલુ
અંત ઘડીએ નહીં આવે કોઈ કામમાં
સ્વાર્થમાં રહેશે જો ડૂબ્યો, મારગ રહેશે જો બદલતો
પહોંચીશ ક્યારે તું તારા સ્થાનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)