મારે ને તારે ને તારે ને મારે રે, માડી ઊંડી છે રે સગાઈ
આત્માના શત્રુએ મારા, પાડી છે રે તુજથી ઊંડી રે જુદાઈ
અહંમે ઘેરાઈ, મદથી છલકાઈ, રે રહ્યાં તુજથી દૂર રે
ધરી ના વાતો શાસ્ત્રો ને સંતોની હૈયે રે, ચડાવી અભરાઈયે રે
પુણ્ય ચૂક્યો હું તો રે માડી, રહ્યું હૈયું પાપે તો ઊભરાઈ રે
પાડી બૂમો તો તેં રે મને ઘણી રે માડી, બહેરા કાને એ અથડાઈ રે
માયામાં ડૂબી થાક્યો હું તો, હૈયું ગયું છે બહુ રે મૂંઝાઈ રે
શત્રુઓએ પકડયા છે પગ તો મારા, ગયો છું હું તો બંધાઈ રે
ભૂલ્યો છું જાતને, ભૂલ્યો છું પ્રકાશ, અંધકારે રહ્યો છું અટવાઈ રે
જાગી છે ઝંખના હૈયે રે માડી, દઈ દર્શન તોડજે રે જુદાઈ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)