શ્વાસેશ્વાસના લેખા તો લેવાશે, લખાવી આવ્યો શ્વાસ તો તું તારા
કરજે સમજીને ઉપયોગ તો એના, વધારો ના થાશે કદી તો એમાં
કરશે જ્યાં ક્રોધ તો તું, ચાલશે ઉતાવળે શ્વાસ તો તારા
ઘટાડો થાશે જલદી એમાં, બનશે એ તો ખોટના સોદા
કામમાં ડૂબી ઉત્તેજિત થાતા, ચાલશે ઉતાવળે શ્વાસ તો તારા
ભાન સામે જાશે તું તો ભૂલી, બનશે એ તો ખોટના સોદા
વેર તો ભભૂકી ઊઠશે જ્યાં, શ્વાસ પર ના રહેશે કાબૂ તારા
વિવેક પણ તારો જાશે ડૂબી, બનશે એ તો ખોટના સોદા
ઈર્ષ્યાની આગ હૈયે જાશે વ્યાપી, ઉતાવળે લેવાશે શ્વાસ તારા
પગ નીચે પણ ધરતી જાશે ધ્રુજી, બનશે એ તો ખોટના સોદા
છોડી ચિંતા તારા શ્વાસની, વહેશે હૈયે જ્યાં પ્રેમની ધારા
બનશે શ્વાસ તો તારા ધીમા, બનશે એ તો તારા પાકા સોદા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)