સુંદર મુખડું, સુંદર હૈયું, આજ તો `મા’ નું નિહાળું
દર્શન આવા અનોખા થાતાં, ભાગ્ય એને મારું માનું
હસતા મુખ ને હસતા નયનોમાં અમીરસ તો નિહાળું
પાન અમીરસનું કરતા, ભાગ્ય એને મારું માનું
હાથે ત્રિશુળ, વરદ હસ્ત તો `મા’ નો નિહાળું
અંગેઅંગમાં શક્તિ તો ઝરતી, ભાગ્ય એને મારું માનું
મલક મલક મલકતા એના મુખડામાં, વાત્સલ્ય તો નિહાળું
સાનભાન જાઉં મારું ભૂલી, ભાગ્ય એને મારું માનું
એનામાં જગ દેખાયે, જગમાં તો એને નિહાળું
મારું તારું તો ગયું વિસરાઈ, ભાગ્ય એને મારું માનું
ક્ષણભરની આ ઝાંખી માની, ક્ષણભર તો નિહાળું
ભાથું જીવનભરનું દઈ દીધું, ભાગ્ય એને મારું માનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)