જગાવ તું તારા હૈયાંમાં તારા નાથને, સૂતા જો એ રહેશે, કેમ ચાલશે
છોડ મીઠી નીંદર તું માયાની, જીવનમાં વાસ્તવિકતા સ્વીકારવી પડશે
કરવાનું છે બાકી જીવનમાં ઘણું ઘણું, વિતાવ્યો સમય, ખોટો ના પોષાશે
નીંદર માયાની હશે ભલે રે મીઠી, જીવનમાં મોંઘી પૂરવાર એ તો થાશે
ના નીંદર, ના જાગૃતિ સમસ્યા, જીવનમાં સદા ઊભી એ તો કરશે
બચવાને એમાંથી, પૂર્ણ જાગૃતિ વિના, ઈલાજ ના એનો તો રહેશે
આગળ ને પાછળ છે જીવન તો તારું, જોજે હાથમાંથી ના સરી એ તો જાશે
સફળતા મળશે જેટલી રે જીવનમાં, શ્વાસો સંતોષના, દઈ એ તો જાશે
સદ્ગુણો જીવનમાં જો કેળવાશે, દીપક બની જીવનને તો એ અજવાળશે
છે પહોંચ જીવનની ઉપર સુધીની, ઉપર સુધી જીવનમાં પહોંચવું તો પડશે
જોડી જીવનને તો ભાગ્ય સાથે, પુરુષાર્થને જીવનમાં, નબળો ના પડવા દેજે
છે જીવન તો પ્રભુનું સંભારણું, ડગલે ને પગલે યાદ એની એ આપશે
ચૂક્યા પગથિયું જીવનમાં એકવાર, જીવન લડખડાતું એમાં તો રહેશે
વિચારી વિચારી પગલાં તું ભરજે, સ્થિરતા જીવનની ના હચમચાવી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)