આવશે નહીં, તારી લાખ તરકીબો, કામ એમાં આવશે નહીં, એમાં કાંઈ ચાલશે નહીં
આવશે નહીં, ચાલશે નહીં, ચાલ્યું ના એની પાસે કોઈનું, તારું પણ ત્યાં ચાલશે નહીં
સમયસર આવ્યા વિના એ રહેશે નહીં, પળભરની પણ રાહ, કોઈની તો એ જોશે નહીં
હશે ચોપડો તારા કર્મનો એની પાસે તૈયાર, ફેરફાર એમાં તો કાંઈ કરાશે નહીં
તારી વાતો, તારી દલીલો, ત્યાં, એની પાસે તો કાંઈ ચાલશે નહીં
દુઃખભરી દૃષ્ટિ તારી, કરુણાભરી કાકલૂદી તારી, અસર એની એને કાંઈ થાશે નહીં
સગાસંબંધી, પુત્રપરિવાર, કોઈને તો સાથે ત્યાં કાંઈ લઈ જવાશે નહીં
છૂટયો હુકમ જ્યાં એકવાર એને, કોઈ કારણ એને રોકી શકશે નહીં
રહી જાશે તારું બધું અહીંનું અહીં, સાથે એમાંનું કાંઈ ત્યાં લઈ જવાશે નહીં
મળ્યા ને છોડયા કંઈક તનડાં તેં કંઈકવાર, આ તનડું પણ સાથે કાંઈ આવશે નહીં
વહેલું કે મોડું પડશે જાવું જગમાંથી, વાર એમાં તો કોઈની કાંઈ ચાલશે નહીં
જાવું હસતા કે રડતાં, છે હાથમાં એ તો તારા, નિર્ણય એનો લીધા વિના ચાલશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)