તારા મનના મુખડાને રે (2) એને તો તું ચોખ્ખું રાખ
જે તે ખાઈને જીવનમાં રે (2) દુર્ગંધમય ના એને તું રાખ
દુર્ગંધથી રહેશે દૂર સહુ તો જીવનમાં, આવશે પ્રભુ ભી ક્યાંથી તારી પાસ
રહેજે સાફ કરતો મુખડાને તો તું તારું, સાફ કરવામાં રાખતો ના કચાશ
માફક આવે ના ખોરાક જે જીવનમાં, રાખજે એમાં તો તું ઉપવાસ
ભાગશે ને ભાગશે જગમાં જ્યાં ત્યાં એ તો, રહેશે કરતો સતત એ પ્રવાસ
હશે મનનું મુખડું મેલું તારું, ક્યાંથી કરશે પ્રભુ એમાં તો વાસ
કરવા સાફ એને, પડતો ના આળસમાં એમાં તું, રહેજે નિત્ય કરતો પ્રયાસ
છે એ આધાર તારો, છે આધાર પ્રભુનો, કરતો ના એનો તું ઉપહાસ
કરીશ ના જો તું સાફ એને, રહેવા ના દઈશ સાફ એને, હશે જીવનનો એ મોટો કટાક્ષ
રહેશે મુખડું જ્યાં સાફ તારું, અનુભવીશ જીવનમાં તું અનોખી હળવાશ
સાફ કરતોને કરતો રહેજે જીવનમાં, થાતો ના એમાં કદી તું નાસિપાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)