કરવું પડશે, કરવું પડશે રે પ્રભુ, જીવનમાં તારે મારું આટલું તો કરવું પડશે
રહ્યાં છે કહેતાંને કહેતાં સહુ પ્રભુને ક્યારેને ક્યારે, તારે મારું આટલું તો કરવું પડશે
મૂંઝાઉં એવા સંજોગોમાં જ્યારે, મૂંઝારા વધે ત્યારે, મૂંઝારા મારા તારે દૂર કરવા પડશે
નાદાન ને નાદાન રહ્યો છું જીવનમાં હું, જીવનમાં નાદાનિયત મારી તારે રોકવી પડશે
રહી છે તોફાનોમાં ચાલતી જીવન નાવડી મારી, મારી એ નાવડીને સ્થિર તો રાખવી પડશે
બેજવાબદારીમાં જાઉં છું તણાઈ, વારંવાર જીવનમાં, જવાબદારીના કિનારે મને પહોંચાડવો પડશે
ઇચ્છાઓ જાગે છે હર શ્વાસે જીવનમાં, કાં એને તું રોકજે, કાં તારે પૂરી એને કરવી પડશે
વહાલાઓને વહાલા રહ્યો છું ગણતો તને, તારે મને હવે વહાલો ગણવો પડશે
ભાવોને ભાવો તાણી રહ્યાં છે અનેક દિશાઓમાંથી તારી દિશામાં એને લાવવા પડશે
કરવું પડશે, કરવું પડશે, પ્રભુ તારે મારામાં રહીને, આ બધું તો કરવું પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)