છે સમસ્યા અમારી રે ઊલટી, ઝાઝું અમે જાણીએ નહીં, થોડામાં સમજીએ નહીં
છે સ્વભાવ અમારા એવા તો જ્યારે, કરીશું શું અમે ક્યારે, એૅ કહી શકીએ નહીં
રાખીએ ના કાબૂમાં સ્વભાવ અમે અમારો, ઉત્પાત મચાવ્યા વિના એ તો રહે નહીં
પળેપળના કરીએ અમે રે સોદા, પ્યારના પણ સોદા કર્યા વિના અમે રહીએ નહીં
જાણકારીના દાવા અમારા છે પોકળ, છે પાસે શું, શું નહીં એ અમે તો જાણીએ નહીં
વાતોના ભંડાર છે પાસે મોટા, ભંડાર સમજતા અમે, એમાં તો ભરીએ નહીં
કોણ મારું, કોણ નહીં, માંડીએ ગણતરી સદા એની, કોઈના અમે તોયે બનીએ નહીં
કરીએ પુણ્યની વાતો જીવનમાં મોટી મોટી, પુણ્યની રાહે જીવનમાં તોયે ચાલીએ નહીં
ભરી હૈયાંમાં કાળપ, જોવું છે જગને ચોખ્ખું, જગ ચોખ્ખું અમને દેખાય નહીં
રહ્યું ને રાખ્યું હૈયું પ્રભુના ભાવ વિના, અસ્તિત્વ પ્રભુનું સાચું સમજાય નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)