એક ગમગીન સવાર ઊગી ગઈ, વહાલાની વસમી વિદાય તો એ દઈ ગઈ
નીકટતાની નિકટતા એને તો ખૂંચી ગઈ, વિક્ષેપ ઊભો એમાં એ તો કરી ગઈ
હસતા ખેલતાં એ વદન ઉપર, મૌન આંચળ એના ઉપર એ પાથરી ગઈ
ઋણાનુંબંધના સંબંધ પર પડદો એ નાંખી ગઈ, સંબંધો યાદના તો એ સ્થાપી ગઈ
ના હસ્ત એ ખવરાવી શકશે, ના ખાઈ શકશે, સ્થિતિ ઊભી એવી એ કરી ગઈ
નીરખતી આંખો નીરખતી બંધ થઈ ગઈ, અન્ય જગને નીરખવા એ દોડી ગઈ
ઓળખાણ પિછાણ બધું એ વીસરી ગઈ, મજબૂર જ્યાં એ તો બની ગઈ
પ્રેમના પુકારો, પ્રેમના વિલાપોમાં, આંખ એમાં ના એની તો ખુલ્લી થઈ
એના દિલની વાતો, એના દિલમાં રહી ગઈ, પડદો મૌનનો એના પર ઢાંકી ગઈ
નજર સામે રમતી એ મૂરત, નજરમાંને નજરમાં, રમતીને રમતી રહી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)