આજ કરીશું, કાલ કરીશું, વાત તો આ, જગમાં તો કાંઈ નવી નથી
આવશે પરિણામ તો એનું, પરિણામ એનું આવ્યા વિના રહેવાનું નથી
ઠેલીને આજનું કાલ ઉપર, ફાયદો એમાં તો કાંઈ મળવાનો નથી
રોકી નથી શક્યો આગમન જગમાં તું તારું, વિધિના લેખથી, બંધાયા વિના રહેવાનો નથી
કાલને વિધિનો લેખ સમજી, આળસે ઉત્તેજવાની જીવનમાં કાંઈ જરૂર નથી
છટકવા દીધું છે આજે જે હાથમાંથી તારા, મોંઘું પડયા વિના એ રહેવાનું નથી
છે આજનું અસ્તિત્વ તો આંખ સામે, કાલની તો રાહ જોયા વિના ચાલવાનું નથી
છે નુકસાનકર્તા જીવનમાં જે તારા, કાલ ઉપર છોડયા વિના એ રહેવાનું નથી
આજ ને કાલ ઉપર, ને કાલ ને આજ ઉપર, ક્રમ કરશે ઊલટો, ગોટાળો ઊભો થયા વિના રહેવાનો નથી
આજનું પતાવીશ જ્યાં તું આજ ઉપર, સુંદર કાલ ઊગ્યા વિના કાંઈ એ રહેવાની નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)