ખમીર તારું ક્યાં ખોવાઈ ગયું, સત્ત્વ તારું કોણ લૂંટી ગયું
ગણતરી તારી કેમ ખોટી પડી, દગો જીવનમાં તને કોણ દઈ ગયું
પાટા ઉપર ચાલતી તારી રે ગાડી, કોણ નીચે એને તો ઉતારી ગયું
વાંધાવચકાં કાઢવા શાને હવે તું બેઠો, નિરાશામાં કોણ તને ઘસડી ગયું
આળસની દોસ્તી શાને કરી તેં જીવનમાં, દોષનું કારણ તને ના શું મળી ગયું
વારેઘડીએ બદલ્યા શાને તેં રસ્તા, માર્ગ બતાડનાર તને કોઈ ના મળ્યું
અંધકાર ભરી રાહે ચાલ્યો છે, તું માર્ગ કાપવા તેજનું કિરણ તને શું ના મળ્યું
પ્રેમ તો છે અંગ જીવનમાં પ્રભુનું, જીવનમાં તો તારા, એમાં શું ભળી ગયું
શાંતિના જપ જપવા છે તારે તારા જીવનમાં કોણ એને જીવનમાં અટકાવી ગયું
દુઃખ દર્દના રટણમાં ને રટણમાં, રટણ પ્રભુનું તો જીવનમાં વીસરાઈ ગયું
ખમીર તારું જીવનમાં ક્યાં ખોવાઈ ગયું, જીવનમાં તો એને કોણ હરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)