ચાલ્યોને ચાલ્યો જીવનમાં તો તું ખૂબ ચાલ્યો છે, હવે જો જરા ક્યાં તું પહોંચ્યો છે
સામનો ને સામનો રહ્યો છે જીવનમાં તું કરતોને કરતો, જોજે એમાં ના તો તું થાક્યો છે
સાથમાં ને સાથ વિના રહ્યો છે તું ચાલતો, જોજે એકલો ના એમાં તો તું પડી ગયો છે
સફળતાને નિષ્ફળતાના બાંધીને ભારા, જીવનમાં માર્ગ તો તું કાપતોને કાપતો રહ્યો છે
મંઝિલ વિના તો તેં માર્યા રે ફાંફાં, તારા મનમાંને મનમાં તું તો અટવાતો રહ્યો છે
કદી સીધો તો કદી આડોઅવળો, જીવનમાં તો તું ચાલતોને ચાલતો રહ્યો છે
કાઢી ના ફુરસદ તો તેં તારા કાજે જીવનમાં, એમાં, પસ્તાવાનો વારો તારો આવ્યો છે
પીવા હતા જીવનમાં રે સુખના રે પ્યાલા, સુખદુઃખના પ્યાલા તું પીતો આવ્યો છે
પ્રેમના જળથી કર જીવનને તું ભીનું, શાને દુઃખના કાંટા તું સહેતો આવ્યો છે
સમજ્યો ના ભલે તું પ્રભુને જીવનમાં, શાને તારી જાતને, પ્રભુને ના સોંપતો આવ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)