કર્યો પુરુષાર્થ ઘણો ઘણો જીવનમાં, પડયું સોંપવું તો જીવન ભાગ્યને હવાલે
રાત દિવસની મહેનત ઉપર, નસીબને પાણી ફેરવતું જોઈ, રડયું હૈયું ચોધાર આંસુએ
મનની રહી ગઈ મનમાં જ્યાં, સહી રહ્યું મન, નસીબ આગળ તો એ લાચારીએ
મનનો ખટકો રહ્યું હૈયાંને વીંધતું, હતી હાલત હૈયાંની એવી, ખાલી છે હૈયું જાણે
આંખડી બેઠી ગુમાવી ચમકાર એનો, જીવનને લાત મારી તો જ્યાં નસીબે
ચાલુને ચાલુ રહી જીવનમાં, કુસ્તી પુરુષાર્થ ને નસીબની, એક જીતે ને બીજું હારે
રહ્યો સંઘર્ષ જીવનભર તો આ ચાલુને ચાલું, રહ્યું જીવન તો આ સંઘર્ષને હવાલે
રહ્યો પુરુષાર્થ કદી ઉપર, કદી નસીબ ઉપર, જીવન રહ્યું ખાતું ઝોલા તો એના ચકડોળે
થયો ના જ્યાં નિરાશ જીવનમાં, ઘડતોને ઘડતો રહ્યો પુરુષાર્થ તો ત્યાં નસીબને
રાખ્યું એક પલ્લામાં પુરુષાર્થને, બીજામાં નસીબને, તોલ્યું જીવનને એમાં એના ત્રાજવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)