કોણ આવ્યા, કેટલા ગયા જગમાંથી છે હિસાબ કોની પાસે એનો
કર્યા કર્મો કેવા ને કેટલા, રાખ્યું યાદ કોણે, છે હિસાબ કોની પાસે એનો
જાણી શક્યા નથી જ્યાં ખુદ ખુદને, ટકે દાવો જગમાં ત્યાં ક્યાંથી જાણકારીનો
પોકળ વાતો, પોકળ વિચારો, પોકળ આચારો, પોકળતાનો તો આવ્યો છે જમાનો
કરી કરી ગજાબહારની જીવનમાં ઇચ્છાઓ, ખોદે ખુદ ત્યાં ખાડો નિરાશાનો
મળ્યું નથી, રહે એની ભાંજગડમાં સદા, પ્રજવળે અગ્નિ એમાં તો અસંતોષનો
દુઃખથી અજાણ્યા દુઃખમાં ડૂબ્યા, કાઢે દોષ હવે એમાં એ તો કોનો
દુઃખ વિનાનું ભર્યું ના કોઈ ડગલું, આવ્યો વારો હવે એમાં તો દુઃખી થવાનો
કર્મે કર્મે ભેદ જાગ્યા સહુમાં, હતો સહુ પાસે તો, વધુ કે ઓછો ઢગલો એનો
આવાગમનના રહ્યાં બારણાં ખુલ્લા એમાં, આવ્યો વારો આવવાનો એમાં સહુનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)