માંદગી તો છે, અણગમતો મહેમાન, મહેમાનગતી કરાવ્યા વિના એ રહેતી નથી
કદી આવે એ મંદગતિએ, આવે કદી તીવ્રગતિએ, જલદી જવાનું નામ એ લેતી નથી
કોઈ ચાહે ના તો માંદગીને, જાણ્યે અજાણ્યે, નોતરાં દીધાં વિના એને રહ્યાં નથી
જમાવવા દીધો જ્યાં પગદંડો એને, જલદી જવાનું નામ, એ કાંઈ લેતી નથી
નાંખી નાંખી ચકરાવામાં એ તો, વર્ચસ્વ સ્થાપ્યા વિના એ કાંઈ રહેતી નથી
કરી આળપંપાળ જ્યાં ખૂબ એની, જીવનમાં પાંગળા બનાવ્યા વિના એ રહેતી નથી
મહેમાન બનીને આવે જીવનમાં એ કંઈક વાર, જીવનમાં આવ્યા વિના એ રહેતી નથી
દુઃખની વેધકતા દે છે એ તો વધારી, જીવનની ક્ષણભંગુરતા સમજાવ્યા વિના એ રહેતી નથી
ખેલ ના ખેલજો વારેઘડીએ એનાથી, કદી ખતરનાક બન્યા વિના એ રહેતી નથી
રાખજે દૂરને દૂર તું એને તારાથી, જિંદગીભર જીવનની મજા, માર્યા વિના રહેવાની નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)