રમત તમે (2) મારી સાથે આવી રમતા ના, તમે રમતા ના
આવી તમે સપનામાં, દઈ દઈ દર્શન, મારી સાથે આંખમિચોલી તમે ખેલતા ના
કદી આવી પાસે, કદી ભાગી દૂર, જીવનમાં દોડાદોડી મને આવી કરાવતા ના
મુશ્કેલીથી આવ્યા જ્યાં એક વાર પાસે, હાથતાળી દઈ હવે સરકી જાતા ના
જગાવી જગાવી ભાવો હૈયે રે એવા મારા, ભાવો સાથે રમત હવે વધુ રમતા ના
રમત રમાડી તો ઘણી, રમાડી રમાડી ઘણી, મને હવે એમાં તમે થકવતા ના
દીધા તમે તમારા પ્રેમના પ્યાલા ભરી ભરી, હવે જીવનના ઝેર એમાં ઘોળતા ના
જલાવી છે ભાવને પ્રેમની જ્યોત જ્યાં હૈયાંમાં, એ જ્યોત હવે બુઝવા દેતા ના
જનમોજનમ વીત્યા એ રમતોમાં પ્રભુ, હવે વધુ જન્મો લેવડાવતા ના
ઘસી ઘસી, ધાર વિશ્વાસની કરી છે ધારદાર, પ્રભુ બુઠ્ઠી એને થવા દેતા ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)