માપ ના વિશાળતા, ભરી હૈયે સંકુચિતતા
માપ તારો તો પડશે ટૂંકો
ભરી કૂડકપટ તો હૈયે, ના માપજે તું સત્યને
માપ તારો ત્યાં પડશે ખોટો
ભરી કામનાઓ હૈયે, ના માપ તું જગને
માપ તારો ત્યાં પડશે અધૂરો
ભરી ક્રોધની જ્વાળા, ના માપ તું અન્યને
માપ તારો ના પડશે સાચો
પૂર્વગ્રહ બાંધીને હૈયે, ના જોજે તું કોઈને
માપ તારો ત્યાં દૂષિત બનશે
ભરી મોહ ને મમતા, માપીશ જો અન્યને
માપ તારો તો અન્યાય કરશે
ત્યજીને તું લોકલાજ, માપીશ સંસારને
માપ તારો તો ઉપાધિ કરશે
માપવા તારા વ્યવહારને, લેજે માપદંડ સાચો
માપ તો જ તારો સાચો ઠરશે
જાગી જ્યાં હૈયે વિશુદ્ધતા, માપજે તું જગતને
માપની પણ ત્યાં જરૂર ના રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)