આ પથ ભૂલેલા પ્રવાસીને, ‘મા’ પથ તો બતાવજે
રાહ ચૂકેલા આ બાળને, ‘મા’ રાહ પર તો ચડાવજે
થાકે તો ડગમગે ડગલાં, સ્થિર એને તો બનાવજે
ઘટતી રહી છે શક્તિ, ‘મા’ શક્તિ રસ પીવડાવજે
માયા કેરો કેફ ચડ્યો ઘણો, કેફ તો એ ઉતારજે
સાનભાનમાં લાવી એને, સારી સાન આપજે
સાથ અને સાથી ના મળે, સાથ તો એને આપજે
ઘટતી રહી છે હિંમત હૈયે, હૈયું હિંમતે ભરાવજે
રાહે-રાહે રાહ ન બદલે, સાચી રાહ બતાવજે
સમજ ખોટી એની કાઢી, સાચું એને સમજાવજે
ઘેરાયું છે અંધકારે હૈયું, પ્રકાશ તારો આપજે
છે મૂડી થોડી, ભાથું થોડું, મંઝિલે સુખરૂપ પહોંચાડજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)