ડગમગતાં ડગલાં મારાં, સ્થિરતા તો ઢૂંઢે છે
તોફાને ચડેલી નાવ મારી, કિનારો તો શોધે છે
સંસારતાપમાં રે માડી, તારો શીતળ છાંયડો શોધે છે
માયામાં માંદું પડેલ મન, આજ તારી દયા શોધે છે
વાસનાના વિષમાં ડૂબેલ મન, તારા પ્રેમનું અમૃત શોધે છે
કર્મો કેરો થાક તો માડી, આજે વિસામો ઢૂંઢે છે
હૈયાની એકલતા તો માડી, સાથ તારો આજે શોધે છે
મનની વ્યાકુળતા તો માડી, શાંતિના શ્વાસ શોધે છે
અસહાય બનેલ હૈયું મારું, હૂંફ તારી તો શોધે છે
ઊંડી સમજ તો માડી, મૂળ મારું તો તુજમાં ઢૂંઢે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)