કઠણ ધરતીમાંથી પણ વહે, શીતળ ઝરણું જળનું
કાળમીંઢ જેવા હોય ભલે હૈયાં, વહેશે ઝરણું ત્યાં પ્રેમનું
સૂકી ધરતીમાં પણ મળી આવે, ઝરણું તો જળનું
છે કુદરતની આ કરામત, સૂકું પણ પાછું લીલું થાતું
ખારાપાટમાં પણ મળી આવે, મીઠા જળનું ઝરણું
જડમાં પણ જો આ બનતું આવે, માનવ હૈયું તો છે ચેતનવંતું
અહલ્યાનું પણ હૈયું બની ગયું હતું તો પથ્થરનું
બન્યું એ પાછું ચેતનવંતું પામતાં સ્પર્શ રામચરણનું
ઇતિહાસે નોંધાયા આવા કંઈક દાખલા, આવા પરિવર્તનના
સદા તું પણ સિંચન કરજે, હૈયે સદા તો પ્રેમનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)