તંત તો ના લેજે એવો, જેનો અંત તો ના હોય
તંતનો તો અંત લાવજે, ચડે જ્યાં એના પર વળ
વળે-વળે તો ગાંઠ પડશે, બનશે છોડવી મુશ્કેલ
દિનેદિન થાશે મજબૂત, બનશે એથી તો મજબૂર
અંત નથી એવો, છે જગમાં તો એક જ આતમ
લેવો હોય તો લેજે તું, જાણવા એનો તંત
અંત મેળવતાં તારો, આવશે કાયાનો જો અંત
છોડજે ના તું એ તંત, મળશે તને તારો અંત
વ્યવહારમાં તો તંતનો લાવજે સદા અંત
જાળવી લેજે હૈયે, તુજને જાણવાનો તંત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)