તારી ઇચ્છા વિના, પાંદડું ન હાલે તો જગમાં
તોય ખોટું મારાથી થાય, માડી એ મને સમજાતું નથી
સહુનું ભાગ્ય તો માડી, તારી ઇચ્છાથી તો લખાય
તોય બૂમાબૂમ મારાથી પડી જાય, માડી એ મને સમજાતું નથી
દાણા-દાણા પર તો લખે છે, તું તો ખાવાવાળાનું નામ
તોય મારાથી સંગ્રહ થઈ જાય, માડી એ મને સમજાતું નથી
સુખદુઃખની જગમાં, ઘડનારી તું છે રે માડી
તોય દુઃખમાં આંસુ પડી જાય, રે માડી એ મને સમજાતું નથી
સર્વ જીવોમાં પણ વાસ છે તારો રે માડી
તોય હૈયે ભેદભાવ જાગી જાય, માડી એ મને સમજાતું નથી
કર્તા-કરાવતા તો તું જ છે, જગમાં રે માડી
તોય પાપમાં પગલાં પડી જાય, માડી એ મને સમજાતું નથી
તું છે જગમાં શક્તિદાતા, તું તો છે અમારી માતા
તોય મુજ હૈયે અહં જાગી જાય, માડી એ મને સમજાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)