જીવન છે સાગર જેવું, ખારાશની મીઠાશ માણી લે
તળિયું એનું છે ઊંડું, સમજીને એમાં તો તરી લે
નિતનવા મળશે છીપલાં ને મોતી, ઊંડે એમાં ઊતરશે
પડશે કરવો એમાં સામનો, જાતને એનાથી સાચવજે
મોજાં ઊઠશે મોટાં-મોટાં, તોફાન ઊઠશે તો ઘણાયે
મક્કમતાથી ને સાવધાનતાથી, એમાં તો તરતો રહેજે
મળી છે હોડી જેવી તને, છે એ જ તો તારી પાસે
જોઈ સુંદર નાવ બીજાની, હતાશ તો ના થઈ જાજે
નાવડી ચલાવવાને તારી, પાવરધો એમાં બનજે
મળતાં સુધી કિનારો, તરતી એને તો તું રાખજે
કોઈ નથી એ જાણતું, મળશે કિનારો ક્યારે
ઢીલાશ ના રાખતો તરવામાં, નહિ તો ડૂબી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)