તારા હસ્ત માડી, મુજ મસ્તકે જ્યા તું સ્થાપશે
સુખના ઓડકાર માડી, ત્યાં તો આવશે (2)
તારો ગણીને માડી મુજને, તુજ ચરણમાં રાખજે
મનનાં વમળો માડી, ત્યાં શાંત થઈ જાશે (2)
તારી કૃપાનું બિંદુ માડી, જ્યાં મુજને તો તું પાશે
જગ સારું મારું રે માડી, ત્યાં તો ફરી જાશે (2)
જ્યાં નજર મારી, માડી તારી નજર સાથે મળશે
જગનું ને મારું જ્ઞાન, મુજમાં જાગી તો જાશે (2)
તારા તેજનો અંશ છું માડી, તેજ જ્યાં પ્રકાશશે
જીવનપથ મારો તો માડી, સરળ બની જાશે (2)
મુજમાં ને તુજમાં અંતર નથી, હૈયે જ્યાં એ સ્થિર થાશે
જીવન ને દૃષ્ટિ મારી જગમાં, સારી બદલાઈ જાશે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)