એકને આધીન તો છે આ જગ સારું, ઈશ્વર એને સમજી લે
ધાર્યું તો સદાય જગમાં તો જેનું, ઈશ્વર એને સમજી લે
ભર્યું છે જેનાથી જગનું અણુએ અણુ, ઈશ્વર એને સમજી લે
જડ, ચેતનમાં જે સરખું તો સમાયું, ઈશ્વર એને સમજી લે
વિરાટમાં પણ જે સદા વિરાટ છે, ઈશ્વર એને સમજી લે
જળ સ્થળ આકાશે સત્તા જેની ચાલે, ઈશ્વર એને સમજી લે
માયા સદાય આશ્રય જેનો લે છે, ઈશ્વર એને સમજી લે
માયા, ભાગ્ય સદા જેના ઇશારે નાચે, ઈશ્વર એને સમજી લે
જ્ઞાન ને ગુણના ભંડાર છે જે સદાય, ઈશ્વર એને સમજી લે
રાતને દિનમાં, દિનને રાતમાં જે પલટાવે, ઈશ્વર એને સમજી લે
સુખદુઃખ તો જેને કદી ન બાંધે, ઈશ્વર એને સમજી લે
જગનું કારણ છે જે, જેનું કારણ ના મળે, ઈશ્વર એને સમજી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)