પડતો-આખડતો જાય, રે માડી પડતો-આખડતો જાય
જગમાં તો તારો આ બાળ માડી, પડતો-આખડતો જાય
ઠોકરો વાગે તો ઘણી-ઘણી, તોય સમજે ના એ કાંઈ - રે માડી...
કદી એ પડતો, કદી ઊભો થાતો, કદી એ દોડતો જાય - રે માડી...
સાચો રસ્તો ભૂલી એ તો, કાદવમાં તો એ સપડાય - રે માડી...
ચાલે રસ્તે, જોયે બીજે, ઠોકરો તો વાગતી જાય - રે માડી...
છતી આંખે અંધ બની ચાલે, ઠોકરો વાગતી જાય - રે માડી...
રસ્તે ચાલે, રસ્તો ન સૂઝે, રસ્તો સાચો ન દેખાય - રે માડી...
કદી ખાડામાં, કદી ટેકરામાં, ડગમગતો એ તો જાય - રે માડી...
નક્કી મંઝિલ વિના, એ તો રસ્તે ચાલતો જાય - રે માડી...
મળતા રસ્તે સાથી અનેક, વાતમાં એ રોકાઈ જાય - રે માડી...
તારા સાથ વિના તો માડી, મંઝિલે તો નહિ પહોંચાય - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)