હવે તો કંઈક કરવું પડશે, હવે તો કંઈક કરવું પડશે
કર્યું તો સહન ખૂબ જીવનમાં,ચૂપ રહી જીવનમાં ના કાંઈ ચાલશે
અસ્થિર જીવનને રે જગમાં, સ્થિર એને હવે તો કરવું પડશે
કર્યા આળસમાં તો કંઈક અખાડા, હવે તો કાર્યરત રહેવું પડશે
હરાઈ ગઈ છે જીવનમાં શાંતિ, જીવનમાં શાંતિ તો મેળવવી પડશે
અટક્યા છીએ જીવનમાં જ્યાં, ત્યાંથી આગળ તો વધવું પડશે
કાર્ય કાજે કર્યા ખૂબ ભાઈબાપા જીવનમાં, નાક હવે તો દબાવવું પડશે
વેરઝેરથી તો ખૂબ થાક્યા જીવનમાં, જીવનમાં પ્રેમને અપનાવવો પડશે
કરી કરી નિર્ણયો, ચડાવ્યા અભરાઈ ઉપર, અમલ એનો હવે કરવો પડશે
કરવું પડશે તે તો કરવું પડશે, પ્રભુના દર્શન જીવનમાં મેળવવા પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)