ભાવે ભીંજાયેલું હૈયું, તો પ્રભુના ગુણલા ગ્રહી લેશે
સૂકી ધરતી જળ ચૂસી લેશે, પથ્થર પરથી વહી જાશે
ના હૈયાને પથ્થર બનાવજે તું (2)
ભીની ધરતી પર તો, ઘાસ ધાન્ય તો ઊગી નીકળશે
ભીના પથ્થર પર, લીલ સિવાય કંઈ નવ મળશે - ના...
ભીની ધરતી તો સર્વ, બીજ ગ્રહણ તો કરશે
ભીના પથ્થર પરથી તો, બીજ સદા વહી જાશે - ના...
ભીની ધરતીને ઘાટ તો દેવો સહેલો બનશે
પથ્થરને તો ઘાટ દેતાં-દેતાં, કદી-કદી તૂટી જાશે - ના...
પ્રેમની સરવણી તો ભીની ધરતીમાંથી ફૂટી જલદી
પથ્થરમાંથી ફૂટતાં તો, ભવ નીકળી જાશે - ના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)