કોઈ દુઃખિયારો દુઃખ રડતો આવે, આવે તારે દ્વાર
બે કાન તારા દેજે ધરી, મીઠા બોલ બોલી દેજે આવકાર
કોઈ તૃષાતુર આવે રે, આવે જ્યારે તો તારી પાસ
શીતળ મીઠું જળ ધરીને, બુઝાવજે ત્યારે એની પ્યાસ
કોઈ ભૂખે ટળવળતો આવે, જો આવે તારી પાસ
જાત-પાત જાજે ભૂલી, ધરજે એને ભોજનથાળ
કોઈ અપંગને પડે, જગમાં જરૂર જ્યારે તારી
ખભો સહાય તણો દેજે, કરજે હળવો એનો ભાર
કોઈ માંદગી ખબર પડે તને, દોડજે તું તત્કાળ
જાત તારી દઈ નિચોવી, કરજે તું એની સારવાર
કોઈ સંસારે નિરાશ થયેલો, આવે તારી પાસ
આશ્વાસનના બે બોલ બોલી, દેજે હિંમત અપાર
કરશે જગમાં આ બધું, ભરીને હૈયાના ભાવ
સદા લેખાં એનાં તો લખાશે, એ તો ‘મા’ ને દરબાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)