શબ્દોની સાઠમારી જીવનમાં થાતીને થાતી જાય,
ઘા એ હૈયાંમાં મારતીને મારતી જાય
હૈયું રે મારું, કાળજું રે મારું,
એમાં કાચુંને કાચું વીંધાઈ જાય
ભાવોની સપાટી ઉપરથી જ્યાં ઉપર તો ઊઠું, ઘા એના પર ત્યાં વાગી જાય
ના મારાથી સહન એ તો થાય, એમાં હૈયું...
જ્ઞાનની દીવાલો તોડી ચાહું નીકળવા એમાંથી તો જ્યાં બહાર
અજ્ઞાન તો ઘા એના ઉપર તો, મારતુંને મારતું જાય, એમાં હૈયું...
બુદ્ધિમાં ડૂબકી જીવનમાં જ્યાં મારતોને મારતો જાઉં
કદી કદી શ્વાસ રે મારા, એમાં તો રૂંધાઈને રૂંધાઈ જાય,એમાં હૈયું...
રાહ જોઉં જીવનમાં હું તો જેની, નજરમાં જ્યાં જલદી ના એ આવી જાય
હૈયાંમાં હલચલ એ તો એવી મચાવી જાય, એમાં હૈયું...
સહાયની આશા લઈને નીકળ્યો જ્યાં હું, જગમાં નજર જ્યાં ત્યાં ફેંકતો જાઉં
મળી ના સહાય કોઈ દિશામાંથી જ્યાં જરા, એમાં હૈયું...
પ્રેમની ઉષ્મા જાગી જ્યાં હૈયે, અન્ય એના ઉપર ઠંડુ પાણી ફેરવી જાય
ઘા એના હૈયાંમાં સહન તો ના થાય, એમાં હૈયું...
ગાડી જીવનની પૂરપાટ દોડતીને દોડતી જાય,
અવરોધોને અવરોધો એને રોકતીને રોકતી જાય, એમાં હૈયું...
કર્મોને કર્મોની રે ગૂંથણી જગમાં જ્યાં જીવનને કાંતતીને કાંતતી જાય
હૈયે જ્યાં એ તો સહન ના થાય, એમાં હૈયું...
પ્રભુના રસમાં જ્યાં રસ મળ્યો મને એવો, હૈયાંને મજબૂતને મજબૂત કરતું જાય
જીવનમાં એને ત્યાં કોઈ અસર ના થાય,
હૈયું રે મારું, કાળજું રે મારું, આનંદમાં ત્યાં ઝોલા ખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)