પીવડાવશે પ્રભુ એટલું, પડશે તો પાણી પીવું
ખવડાવશે પ્રભુ એટલું, પડશે તો તારે ખાવું
લેવડાવશે શ્વાસ તને, પડશે એટલા તો લેવા
મૂક બીજી ચિંતા બધી, બીજું તારે તો છે શું લેવું-દેવું
ચલાવશે પ્રભુ એટલું, પડશે તારે તો ચાલવું
દેવડાવશે પ્રભુ એટલું, પડશે તારે તો દેવું
કરાવશે મેળાપ જેનો, પડશે તારે એને મળવું
મૂક બીજી ચિંતા બધી, બીજું તારે તો છે શું લેવું-દેવું
મોકલ્યો તને જગમાં, પડશે તારે તો જગમાં રહેવું
બોલાવશે જગમાંથી જ્યારે, પડશે તારે તો જાવું
દીધું જે-જે જગમાં તને, પડશે તારે તો ભોગવવું
મૂક બીજી ચિંતા બધી, બીજું તારે તો છે શું લેવું-દેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)