ના ધોજે મેલી ચાદર તું મેલા પાણીથી
થાશે ના એ ચોખ્ખી, થાશે વધુ ને વધુ મેલી
રહી છે થાતી મેલી ને મેલી, છે જરૂર તો એને ધોવી
રહે સદાય એ તો વિધવિધ વૃત્તિથી રંગાયેલી
ના છોડશે રંગ જલદી એનો, પડશે મુશ્કેલ ચોખ્ખી કરવી
વિવિધ રંગો ચડ્યા છે, વિવિધ રંગે છે ચિતરાયેલી
તપ ને સંયમની ભઠ્ઠીમાં તપાવી, રંગ દેજે એનો ઉતારી
કુસંગને અવગુણોથી રાખજે સદા એને બચાવી
ના કરી ચોખ્ખો, ના ચડશે છાપ તો જોઈએ એવી
કરી ચોખ્ખી, રાખ ચીવટ, થાયે ના ફરી એ તો એવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)