છે નિત્ય નિરંતર, એ તો સાથે ને સાથે
છે એ તો સદાયે, તારી પાસે ને પાસે રે
તોય એ તો દૃષ્ટિમાં ન આવે (2)
સદાયે ધાર્યું જગમાં રે, એનું તો થાયે
એક ચક્રે તો, એ જગને સદા ચલાવે રે
તોય એ તો સમજમાં ન આવે (2)
વિરાટની પણ એ તો વિરાટ થાયે
અણુ-અણુમાં પણ એ તો સમાયે રે
તોય એ તો, બુદ્ધિથી ના મપાયે (2)
પ્રકાશની ગતિ પણ ત્યાં ના પહોંચે
મનની ગતિ પણ ત્યા કુંઠિત થાયે રે
તોય એની પાસે ભાવથી પહોંચાયે (2)
કદી એ તો દૂરની દૂર તો લાગે
કદી એ તો અતિ નજદીક લાગે રે
ભાવે ભીંજાતી એ તો સદા ભાવે ભીંજાયે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)