હોયે થોડું માનવ પાસે, રાખે તોય બંધ એના રે દ્વાર
ભર્યું ભર્યું છે તારી પાસે રે માડી, રાખે ખુલ્લા તારા રે દ્વાર
યુગો યુગોથી છે અસ્તિત્વ તારું, નિત નવી તોય દેખાય
સમય સમય વીતતા જાતા, માનવદેહ તો રહે બદલાય
જનમ ધરી મળે જે ધરા પર, બધું એ તો કાળમાં સમાય
અજન્મા છે તું રે માડી, કાળ પણ સદા તારામાં સમાય
ન નર કે તું નારી છે, રહે તોય નરનારીમાં સરખી સમાય
માનવ તો પોતાના ભાવોથી, નરનારી રૂપે તો ભજતા જાય
સર્વ રસમાં તું રહી છે માડી, રસ સર્વે તુજમાં તો સમાય
તુજ વિના રસ બધા ફીકા, તુજથી રસ સદા રસરૂપ થાય
સંસારની મૂળ છે તું રે માતા, તુજથી સકળ સંસાર પોષાય
તારા વિના ના સંભવે, સંસાર કદી સ્થિર ન થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)