રાહબર છે તું મારી માતા, રાહ પર મને ચડાવી દેજે
પાટેથી ઊતરેલી ગાડી રે માડી, પાટા પર તો ચડાવી દેજે
સંસાર વિષ છે રે ઊંડા, સંસાર વિષ તો ખૂબ પીધા
ભક્તિ કેરું તારું અમૃત માડી, આજે મને પીવરાવી દેજે
વેરની ધૂન હૈયે જાગે, ધૂન હવે એ તોડાવી દેજે
તારા પ્રેમની બંસી તો હૈયે હવે સંભળાવી દેજે
વિષયરસમાં ખૂબ ડૂબ્યાં, બહાર એમાંથી કાઢજે
તારા ચરણમાં, મનને હવે સ્થિર બનાવી દેજે
મારું-મારું ખૂબ કીધું, મારાપણું હવે મિટાવી દેજે
બનું હું એક તારો, તાર હવે એવો મિલાવી દેજે
અંધકાર તો છે રે ઊંડા, દિશાના ભાન બધા ભૂલ્યા
પૂનમ કેરું તેજ તારું, હૈયે હવે પથરાવી દેજે
તોફાન હૈયે ખૂબ જાગે, હવે એને શમાવી દેજે
પકડીને આંગળી મારી, તારા ધામે હવે પહોંચાડી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)