મૂલવીએ કેમ કરી સાચા સંતોને, શોધતા શોધતા જીવન વીતી જાય
સાચા સંતો કાંઈ હાટે વેચાતા નથી, ના કાંઈ જગમાં તો એની બોલી બોલાય
છીએ કંગાલ અમે જીવનમાં જ્યાં, નથી સાચું ધન પાસે, કેમ કરી એને મૂલવાય
દુઃખ દર્દની દવા નથી પાસે જીવનમાં જ્યાં, જીવન ત્યાં દુઃખમાં વીતતુ જાય
લાગ્યા છે ડાઘ જીવનને એવા, ના ભૂસ્યા ભુસાય, સંતો પાસે કેમ પહોંચાય
ભોળા દિલના તો છે સંતો, તોય ખોટા કર્મોથી ના કોઈ એ ભોળવાઈ જાય
દેશે ઉપાય એ તો એના જેવા બનવા, જીવનમાં અમલમાં મુક્તા દમ નીકળી જાય
તૈયારી વિના પહોંચીએ જ્યાં એની પાસે, ધાર્યો ફાયદો જીવનમાં ના મેળવી શકાય
જઇએ જ્યાં ઇચ્છાઓ સહિત ત્યાગી પાસે, જીવનમાં ત્યાં કેમ કરીને મેળ ખાય
સંતોના તો સદા આશીર્વાદ મેળવાય, આશીર્વાદ એના સદા હિત કરી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)