ભજે તને કોઈ અલ્લાહ કહી, ભજે તને કોઈ માતા ગણી
તારી શક્તિમાં, ફરક તેથી તો કાંઈ પડશે નહીં
ભજે તને કોઈ પિતા ગણી, ભજે તને કોઈ માતા ગણી
તારી નજરમાં તો બદલી તેથી કાંઈ થાશે નહીં
કોઈ ધરાવે તને પાઈ કે પૈસો, કોઈ તો કાંઈ ધરાવે નહીં
તારી દૃષ્ટિમાં ફરક તેથી કાંઈ પડશે નહીં
કોઈ આવે ફાટેલા વસ્ત્રો પહેરી, કોઈ આવે નખશીખ સોને મઢી
તારા ભાવમાં તેથી તો કાંઈ ફરક પડશે નહીં
કોઈ આવે આંખે લાલસાભરી, કોઈ આવે યાતના સહી
તારા આવકારમાં ફરક તેથી કાંઈ પડશે નહીં
કોઈ લેપે તને ચંદન મહીં, કોઈ સજાવે તને પુષ્પો મહીં
તારા મલકાટમાં ફરક તેથી કાંઈ પડશે નહીં
કોઈ રિસાયે તારી રીતથી, કોઈ આનંદે ઝૂમે તારી પ્રીતથી
તારા પ્રેમમાં ફરક તેથી કાંઈ પડશે નહીં
કોઈ ભજે તને જ્ઞાનથી, કોઈ ભજે તને ભક્તિથી
તારા સ્વરૂપમાં ફરક તેથી કાંઈ પડશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)